સત્યની વાત આવે અને રાજા હરિશ્ચંદ્રનું નામ ન આવે, એવું તો બને જ નહીં! ભગવાન વિષ્ણુએ રાજા હરિશ્ચંદ્રને “સત્યવાદી” ની ઉપાધિ આપી હતી. પણ શું તમે એ કથા જાણો છો, જેના કારણે રાજા હરિશ્ચંદ્રના નામ સાથે સત્યવાદી શબ્દ જોડાઈ ગયો? ચાલો, આ કથા ગુજરાતીમાં સરળ ભાષામાં જાણીએ.
વિશ્વામિત્રને બધું દાન કરી દીધું
એક વાર મહર્ષિ વિશ્વામિત્ર રાજા હરિશ્ચંદ્રની પરિક્ષા લેવા આવ્યા. રાજા તો સરસ રીતે રાજકાજ સંભાળી રહ્યા હતા, પણ વિશ્વામિત્રે રાજા પાસે આખું રાજ્ય દાનમાં માંગ્યું. રાજા હરિશ્ચંદ્રએ જરા પણ અચકાવ્યા વિના આનંદપૂર્વક રાજ્ય દાન કરી દીધું.
પરંતુ પછી વિશ્વામિત્રે દાનની દક્ષિણા પણ માગી. હવે રાજા હરિશ્ચંદ્ર પાસે રાજ્ય તો ન હતું, તો તેમણે પોતે અને તેમના પત્ની, બાળકને પણ વેચવાનો નિર્ણય કર્યો.
રાણી તારામતીથી પણ કર માગ્યો
હરિશ્ચંદ્રની પત્ની તારામતી અને પુત્ર રોહિતાશ્વને એક વ્યક્તિએ ખરીદી લીધા, અને રાજા હરિશ્ચંદ્રને શમશાનમાં કામ કરવા માટે બીજાએ ખરીદ્યા. ત્યાં રાજા શમશાનમાં કર વસૂલવાનું કામ કરતા.
એક દિવસ, રોહિતાશ્વને સર્પ દંશ થયો અને તેની મૃત્યુ થઇ ગયુ. તારામતી પોતાના પુત્રને અંતિમ સંસ્કાર માટે શમશાન લઈ આવી. રાજા હરિશ્ચંદ્રને ખબર ન હતી કે તે પોતાની જ પત્ની છે, તેમણે રાણી તારામતી પાસે પણ કર માગ્યો. ત્યારે રાણી તે કર ચૂકવવા પોતાની સાડી ફાડી દેવાનું વિચારી રહી હતી.
આકાશમાં ગર્જના અને ભગવાનનું પ્રગટ થવું
જેમજ રાણી તારામતી સાડીનો એક ટુકડો ફાડવા લાગી, તેટલામાં જ આકાશમાં તેજ ગર્જના થઇ અને ભગવાન વિષ્ણુ પ્રગટ થયા.
તેમણે રાજા હરિશ્ચંદ્રને કહ્યું, “હે રાજન, તું ધન્ય છે! આ બધું તારી પરિક્ષા હતી અને તું તેમાં સફળ થયો છે.” પછી ભગવાને તેમના પુત્રને જીવતા કર્યા અને રાજાને બધું પાછું આપી દીધું. ભગવાન વિષ્ણુએ તેમને આ આશીર્વાદ આપ્યો કે ભવિષ્યમાં જ્યારે પણ સત્ય અને ધર્મની વાત થશે, તારા નામનો પ્રથમ ઉલ્લેખ થશે.
આ રીતે રાજા હરિશ્ચંદ્ર ‘સત્યવાદી’ કહેવાયા.